જય જવાન, હવે જય કિસાન...

કૃષિ ક્ષેત્રમાં મહત્ત્વના સુધારા કરતા બે ખરડા હવે લોકસભામાં પસાર થયા પછી `એક દેશ એક બજાર'નો માર્ગ મોકળો થયો છે. આ સુધારાનો લાભ ખેડૂતો અને વ્યાપારીઓ સાથે ગ્રાહકો - લોકોને પણ મળશે. અનાજના વ્યાપારમાં જે જૂના જોગીઓ છે એમને અનાજની ઝોનબંધી, કાળાં બજાર અને ભ્રષ્ટાચાર યાદ હશે. હરિયાળી ક્રાંતિ અને મબલખ ઉત્પાદન પછી મોટી રાહત મળી છે, છતાં કૃષિ સુધારા અનિવાર્ય હતા. કૉંગ્રેસે 2019ની ચૂંટણી વખતે આવા સુધારાનું વચન આપ્યા પછી હવે રાજકીય ગણતરીથી સુધારાનો વિરોધ કરે છે. પંજાબ અને હરિયાણામાં કિસાનોએ વિરોધ કર્યો છે અને અકાલી દળના પાયામાં કિસાનોનું અને આડતિયાઓનું સમર્થન છે. હવે અકાલી દળની વૉટબૅન્ક ઉપર કૉંગ્રેસના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘ ધાડ પાડવા માગે છે. તેથી મોદી સરકારમાંથી હરસિમરત બાદલે રાજીનામું આપ્યું છે.
જે સુધારા થયા છે તે અનુસાર ખેડૂતો અને વ્યાપારીઓ એપીએમસી - રાજ્યની બજારથી બહાર - દેશમાં ગમે ત્યાં કૃષિપેદાશો વેચી શકશે. આંતર-રાજ્ય મુક્ત વ્યાપાર હશે. ખેડૂતોને વાજબી ભાવ મળી શકે. ઈલેક્ટ્રોનિક - ઈ-વ્યાપારની સુવિધા મળશે અને ભ્રષ્ટાચારથી મુક્તિ મળશે. દેશમાં એક હજાર જેટલી મંડીઓ 
ઈ-પ્લેટફોર્મ ઉપર આવ્યા પછી રૂા. 35 હજાર કરોડનો વ્યાપાર થયો છે. હવે ઈ-વ્યાપારની વધુ પ્લેટફોર્મની સુવિધા મળશે અને ખેડૂતોને ત્રણ જ દિવસમાં રકમ ચૂકવાશે.
કઠોળ-તુવેરદાળ, તેલીબિયાં અને કાંદા-બટાટાના ભાવ વધારાની બૂમ વખતો વખત સંભળાય છે અને તેની અસર રાજકારણ ઉપર પડે છે. હવે આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિ મળી છે - અર્થાત્ સ્ટોકલિમિટ રદ થાય છે. અસાધારણ સંજોગોમાં જ સ્ટોક મર્યાદા નક્કી થશે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને વિદેશી મૂડીરોકાણ માટે દ્વાર ખૂલશે. તેથી સ્પર્ધાનો લાભ ગ્રાહકોને મળશે.
લોકડાઉનના કપરા સમયમાં દેશભરમાં શાકભાજી અને કાંદા-બટાટાના ભાવ ધારાનો માર લોકો ઉપર પડયો છે. કાંદાના ભાવ વધુ વધે નહીં તે માટે કેન્દ્ર સરકારે નિકાસબંધી ફરમાવી તો મહારાષ્ટ્રમાં વિરોધ થયો. શરદ પવારે વડા પ્રધાન સમક્ષ રજૂઆત કરી. જોકે, હવે ખરડો કાયદો બને તે પછી સ્ટોકલિમિટ રદ થતાં નિકાસબંધીનો અર્થ નહીં રહે એમ મનાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં દસ વર્ષથી કહેતા હતા અને ઘોષણાપત્રમાં પણ વચનો અપાયાં છે. કૃષિ સુધારાની ભલામણ સ્વામિનાથન પણ કરતા હતા. આખરે અમલ થઈ રહ્યો છે. લોકડાઉન અને આર્થિક હાડમારી, શ્રમિકોની હિજરત અને બેકારીમાં કૃષિ ક્ષેત્રના - અનાજના ભર્યા ભંડારે મોટી રાહત આપી છે તે રખે ભૂલાય. આ સુધારાથી કૃષિ ક્ષેત્ર વધુ શક્તિમાન બનશે અને જય જવાન સાથે જય -કિસાન-નાં સૂત્રને બુલંદ બનાવશે. 
પંજાબમાં બાર લાખ કૃષિ પરિવારો છે અને 28 હજાર આડતિયાઓ છે અને એવી ધમકી આપવામાં આવી છે કે જે પક્ષ અને નેતા કૃષિખરડાને ટેકો આપશે તેમનો બહિષ્કાર થશે. આ સંજોગોમાં અકાલી દળ પાસે વિકલ્પ ન હતો. અલબત્ત, ચૂંટણી આવે ત્યાં સુધીમાં કૃષિ સુધારાના ફળ મળવા લાગશે, પણ આડતિયાઓની અઢી ટકા કમિશનની કમાણી બંધ થશે. ફૂડ કોર્પોરેશન દ્વારા પંજાબ - હરિયાણામાં ઘઉં-ચોખાની થતી પ્રાપ્તિ-ખરીદી ઉપર આડતિયાનો આધાર હોય છે.
પંજાબ-હરિયાણા સિવાય અન્ય રાજ્યોમાં સુધારા વિરોધી આંદોલન પ્રસર્યું નથી તેનું કારણ છે કે આડતિયાઓનો પ્રભાવ નથી.
જમીન સુધારાની જેમ કૃષિ સુધારાના વિરોધમાં રાજકારણ છે, કૃષિ અર્થકારણ નહીં. એવો કુપ્રચાર થયો કે ખેડૂતોને જે ગુરુત્તમ ટેકાના ખરીદભાવ મળે છે તે હવે બંધ થશે. વાસ્તવમાં સંસદમાં ખાતરી અપાઈ છે અને કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે પત્ર લખીને પણ ખાતરી આપી હતી કે ટેકાના ભાવ બંધ નહીં થાય, પણ રાજકીય વિરોધ અને પ્રચાર થયો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer